Wednesday, July 8, 2009

સાર્થ ગૂજરાતી જોડણીકોશ પુરવણી : કાર્ય સ્તુત્ય પણ પ્રમાણભૂતતાનો અભાવ



ગુજરાતીમાં સાર્થ એકમેવ પ્રમાણભૂત કોશ છે ત્યારે પુરવણીમાં
પણ એવી જ પ્રમાણભૂતતા જળવાવી જોઈતી હતી


મહાત્મા ગાંધીએ ગુજરાતી તરીકે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરતાં બે બહુમૂલ્ય પ્રદાનો કર્યાં છે : એક, પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખીને ગુજરાતી ભાષાને એક ગરિમા પ્રદાન કરી છે. બે, સાર્થ ગૂજરાતી જોડણીકોશ તૈયાર કરાવીને ગુજરાતી ભાષામાં પ્રવર્તતી જોડણીની અરાજકતા દૂર કરી છે. જોડણી માટે સાર્થ જોડણીકોશ પ્રમાણભૂત છે. કાળક્રમે ભાષામાં નવા નવા શબ્દો ચલણમાં આવતા ગયા. આ શબ્દોની જોડણી નિયત કરીને કોશમાં સમાવવા અનિવાર્ય હતા. ગૂજરાત વિદ્યાપીઠે આ અનિવાર્યતાને સમજીને પાંચેક હજાર શબ્દોની પુરવણી તૈયાર કરીને સાર્થમાં આમેજ કરીને સ્તુત્ય કાર્ય કર્યું છે. વિદ્યાપીઠ આ કાર્ય માટે અભિનંદનની અધિકારી છે. પણ પુરવણી વાંચતાં, જોડણી અને પ્રૂફરીડિંગની ઘણી બધી ક્ષતિઓ નજરે ચઢતાં સોનાની થાળીમાં લોઢાની મેખ વાગી હોય તેવી પ્રતીતિ થાય છે. પ્રૂફરીડિંગ ને જોડણીની પ્રમાણભૂતતાની બાબતે ‘સાર્થ’ની સરખામણીએ પુરવણીનું કામ નિમ્ન સ્તરનું છે. કોશકર્તાઓએ પુરવણી તૈયાર કરવામાં જોઈએ તેટલી ચીવટ રાખી નથી, એવી ફરિયાદ કરવાનું કારણ કોઈ પણ કોશ વાપરનારને થાય એવી ક્ષતિઓ રહી જવા પામી છે. અહીં કેટલીક ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

પુરવણીમાં પ્રૂફરીડિંગ-જોડણી, વિગતદોષ, વ્યાકરણદોષની નાનીમોટી ૭૫ જેટલી ભૂલો છે.

સામાન્ય વાચકને પણ કઠે તેવી ભૂલો

બહું ઠડું (બહુ ઠંડું) પૃ.૧૬, મૂરતિયો (મુરતિયો) પૃ.૧૬, ઓશિકું (ઓશીકું) પૃ.૧૮, ફુદડી (ફૂદડી) પૃ.૧૯, રિસિવર (રિસીવર) પૃ.૨૦, દાઢેક (દોઢેક) પૃ.૨૨, મિલ્કત (મિલકત) પૃ.૩૦, જૂઓ (જુઓ) પૃ.૩૫, પારસ્પારિક (પારસ્પરિક) પૃ.૩૯, રેષો (રેસો) પૃ.૪૬, કૂંજો (કુંજો કે કૂજો) પૃ.૪૮, ગણત્રી (ગણતરી) પૃ.૪૯, મોંઢું (મોઢું) પૃ.૫૪, હીરક જયંતી (હીરકજયંતી) પૃ.૩૧, બોર્ડ (બૉર્ડ) પૃ.૧૧૯, જી.વિ.કો (જી.વી.કૉ) પૃ.૧૧૯, ડબલ્યૂ (ડબ્લ્યૂ) પૃ.૧૩

સાચું શુંની દ્વિધા થાય તેવી જોડણીઓ

સર્-રિયાલિઝમ (પૃ.૧) સરરિયાલિઝમ (પૃ.૬૬) ટૅક્નિક (પૃ.૨૯) ટૅકનીક (પૃ.૩૩) આઉટડોર ગેમ (પૃ.૦૬) ગેઇમ (પૃ.૨૩) સૅન્કચ્યુરી (પૃ.૦૩) સૅન્કચ્યૂઅરી (પૃ.૭૦) બર્ડસઁક્ચુરી (પૃ.૪૮) ઍક્સ્ચેન્જ (પૃ.૧૧) ફોરેન એક્સચેન્જ (પૃ.૪૭) લવલૅટર (પૃ.૬૦) લેટર (પૃ.૬૦)
ઇન્ફિરિયૉરિટી કૉમ્પ્લેક્સ, ઇન્ફીરિયારિટી (પૃ.૦૯) રૂટીન (પૃ.૨૫) રૂટિન (પૃ.૫૮) બ્યૂટીપાર્લર (પૃ.૪૦) બ્યુટીપાર્લર (પૃ.૫૧) શસ્ત્ર અને શાસ્ત્રમાં તો સ્+ત્+ર્- ને સ્ત્રને બદલે સ્+ર્ સ્ત્ર જ બધે વપરાયો છે.

પૃ.૭૪ પર હિટ શબ્દ બે વાર આપ્યો છે. એકનો અર્થ ગરમી, તાપ, ઉષ્મા છે બીજાનો અર્થ પ્રહાર, ફટકો છે. બંને હિટમાં હ્રસ્વ ઇ છે. જ્યારે પૃ.૧૦૮ પર ફેરનહીટ શબ્દમાં પાછી ઉષ્માના અર્થમાં ‘હીટ’ જોડણી આપી છે. આમ કેમ? ખરેખર ગરમી, તાપ, ઉષ્માના અર્થમાં (Heat)હીટ જોડણી હોવી જોઈએ. Hit અને Heat ની જોડણી હિટ કેવી રીતે થાય.

હકીકતદોષ :

વનસ્પતિના નામપરિચયમાં પૃ.૯૯ પર નાગલીના પરિચયમાં સફેદ ઘાસ એવો અર્થ આપ્યો છે. નાગલી ઘાસ તો ખરું જ પણ ડાંગ જિલ્લાનો મુખ્ય ધાન્ય પાક છે. તે માત્ર ઘાસ નથી. સાર્થમાં નાગલીનો અર્થ બાવટા જેવું ધાન્ય આપ્યો છે. ભાષાસંયોજક અને પ્રૂફરીડર વજેસિંહ પારગી છાતી ઠોકીને કહે છે કે નાગલીના રોટલા મેં ખાધા છે. નાગલી એ માત્ર ઘાસ નથી ધાન્ય પણ છે.

કુંવારપાઠું - સાર્થ અને ભગવદ્ગોમંડળમાં આનો અર્થ કુંવાર નામની વનસ્પતિનો બરછી જેવો શેગો આપ્યો છે. વનસ્પતિનું નામ કુંવાર છે. પછી કુંવારપાઠુંને વનસ્પતિ કેવી રીતે ગણાવી શકાય?

જુવાર જેવા ધાન્ય પાકને ને કળથી જેવા કઠોળ વર્ગના પાકને વનસ્પતિમાં સમાવી લીધા હોય તો મકાઈ, ઘઉં જેવાને વનસ્પતિ ના કહેવાય? આવા કેટલાક અનુત્તર પ્રશ્નો કોશ વાપરનારને પક્ષે રહે જ છે.

પૃ.૧૦૧ પર વૃક્ષ અને ફળ તરીકે ફણસનો ઉલ્લેખ છે. ફણસ ખરેખર ફળ છે વૃક્ષ તો ફણસી કહેવાય. સાર્થમાં આપ્યું જ છે.

પૃ.૧૦૩ પર વૃક્ષ તરીકે હરડે આપ્યું છે. હરડે કે હરડાં એ ફળ છે ને વૃક્ષ તો હરડી છે. આ પ્રભેદ પણ સાર્થમાં આપ્યો છે. વનસ્પતિના પરિચય આપનારે સાર્થ જોડણીકોશ જોવાની તસ્દી લીધી હોત તો કમ સે કમ આ ભૂલો નિવારી શકાઈ હોત!

પૃ.૯૯ પર નાળિયેળની જોડણી ખરેખર નાળિયેર કે નારિયેળ જોઈએ. ‘નાળિયેળ’ જો ત્રીજો વિકલ્પ હોય તો આવા વિકલ્પો વધારવાની જરૂર ખરી?

માનવ સંશોધન વિકાસ (માનવ સંસાધન વિકાસ) પૃ.૧૪૪

ટાઇ, પાઇમાં નાની (હ્રસ્વ) ઇ વપરાઈ છે. ખરેખર એક વણલખ્યો નિયમ છે કે અંગ્રેજી શબ્દની છેલ્લી ઈ દીર્ધ લખવી; દા. ત., કમિટિ, પૉલિસિ, મ્યુનિસિપાલિટિ આમ નહીં પણ કમિટી, પૉલિસી, મ્યુનિસિપાલિટી એમ લખાય. આ જ નિયમ ટાઇ, પાઇને લાગે ને ટાઈ પાઈમાં દીર્ઘ ઈ વપરાય. ઇ, ઈની આવી જ ભૂલો સંક્ષિપ્તાક્ષર પૃ.૧૧૦થી ૧૧૮ પર પુષ્કળ છે. વળી અહીં વિચિત્રતા એ છે કે ક્યાંક હ્રસ્વ ઇ તો ક્યાંક દીર્ધ ઈ વપરાઈ છે; દા. ત., સીઈએ, સીઈઓમાં દીર્ધ ઈ છે તો જીઆઇડીસી એચઆઇવી જેવામાં નાની ઇ વપરાઈ છે. ઇ, ઈમાં કોઈ જ ધોરણ જળવાયું જ નથી.

વ્યાકરણદોષ :

અદાલતનું વકીલસમુદાય (અદાલતનો વકીલસમુદાય) પૃ.૪૯, હળનું એકમ (હળનો એકમ) પૃ.૬૮,

શબ્દનાં લિંગ નથી જણાવ્યાં

રૉબોટ, યસ, યારબ, ઢાબા, પૅરન્ટ

કઈ ભાષાનો શબ્દ છે તે નથી જણાવ્યું

યાતાયાત, ગરજમંદ

શબ્દને ખોટી ભાષાનો ગણાવાયો છે

રાગાવેગ (ઈં)
રજોનિવૃત્તિ (ઈં)
આ અંગ્રેજી ભાષાના શબ્દો નથી જ નથી.

પારસપીપળો શબ્દ સાર્થમાં છે. એનો જે લાક્ષણિક અર્થ સાર્થમાં આપ્યો છે તે જ અર્થમાં આ શબ્દ પાછો આપવાની શી જરૂર હતી?

મહોરવું, મ્હોરવું, રોજમદાર, ગુલમહોર, ખોરંભો, અભ્યાસુ આ શબ્દો પુરવણીમાં સ્વીકારાયા છે. જ્યારે સાર્થમાં આ શબ્દો મોરવું, રોજદાર, ગુલમોર, ખોળંબો, અભ્યાસી એમ શાસ્ત્રીય રીતે આપ્યા જ છે. શું લોકોમાં પ્રચલિત થઈ ગયાં એટલે જ અશાસ્ત્રીય રૂપો સ્વીકાર્યાં છે? પ્રચલિતતાના કારણે જ આ શબ્દો સ્વીકાર્યા હોય તો પછી છાપાંમાં ને સામાન્ય લોકોમાં મબલખ, વ્યંઢળ, વાંચ્છુ, ન્યોચ્છાવર, અફડાતફડી, ઘરફોડુ, તૈનાત જેવા ખોટા શબ્દો લખાય બોલાય છે તો શું આ શબ્દોને ખોટા રૂપે સ્વીકારી લઈશું? કે પછી મબલક, વ્યંડળ, વાંછુ, ન્યોછાવર, અફરાતફરી, ઘરફાડુ, તહેનાતનો જ આગ્રહ રાખીશું? મંત્રાલયનું મંત્ર્યાલય, સર્જનનું સર્જ્યન શુદ્ધ સ્વીકારીને સુધાર્યું હોય તો પછી મ્હોરવું, રોજમદાર, ગુલમહોર, ખોરંભો, અભ્યાસુ જેવાં અશાસ્ત્રીય રૂપો કોશકારોએ માત્ર વિકલ્પો વધારવા માટે જ સ્વીકાર્યાં હોય તેવું લાગે!

અહીં પ્રશ્ન એ પણ થાય કે લોકો ખોટી ભાષા પ્રયોજતા થાય (પ્રયોજે છે જ!) અને આપણે લોકપ્રચલિત છે માટે શબ્દકોશમાં સુધારો કરોની નીતિ દાખવશું તો કોશની શાસ્ત્રીયતાની, ભાષાની પરંપરાની ને ભાષાના શીલની શી અવદશા થશે? શું ફરી આપણે ભાષાની અરાજકતા તરફ જઈ રહ્યા છીએ?!

સોશિયલ, ઑફિશિયલની જેમ ફેશિયલમાં પણ ‘શ’ વપરાવો જોઈએ ‘સ’ ખોટો છે.

કોશસંપાદનના કાર્ય વિશે રાખવી પડતી ચીવટ અંગે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એમ ત્રણ ભાષામાં કોશ આપનાર જાણીતા કોશકાર અને ભાષાવિદ રતિલાલ સાં. નાયક જણાવે છે, ‘કોશનું કામ એવું છે કે તેમાં થોડીઘણી તો ભૂલો રહેવાની, પરંતુ કોશનું કામ કરનારને ભૂલ નભાવી લેવાનો કોઈ અધિકાર નથી. કોશના સંપાદકને કોઈ એક પણ અશુદ્ધિ કે દોષ ચીંધી બતાવે અથવા તેને જડે તો તેણે પ્રાયશ્ચિત્ત, શોકપૂર્વક એકરાર કરવો જોઈએ. મને પોતાને પણ ‘સાર્થ જોડણીકોશની પુરવણી’માં ૪૦-૫૦ જેટલી અશુદ્ધિઓ જણાઈ છે.’

કોશ સમિતિના વિદ્વાનોમાંના એક, નિવૃત્ત અધ્યાપક અને ભાષાશાસ્ત્રી ત્રિકમભાઈ પટેલને પુરવણીમાં રહી ગયેલી ભૂલો વિશે પૂછતાં તેમણે પ્રૂફરીડિંગની ને જોડણી અંગેની કેટલીક ભૂલો સ્વીકારી છે. આ ક્ષતિઓ બાબતે ખુલાસો આપતાં તેઓ જણાવે છે, ‘નવા સવાલો ઊભા ન થાય તે માટે જોડણી કરવાની જૂની પરંપરા ચાલુ રાખી છે. ઘણી જગ્યાએ ઉચ્ચારણભેદના આધારે જોડણી કરી છે. ‘ટાઇ પાઇ’ જેવા અંગ્રેજી શબ્દનો ઉચ્ચાર ‘ય’ જેવો થતો હોય, ત્યાં વિકલ્પ ‘ય’ મળવાથી હ્રસ્વ ‘ઇ’ નો ઉપયોગ કર્યો છે. ગુજરાતી ભાષાની લિંગવ્યવસ્થા અને બીજી ભાષાઓની લિંગવ્યવસ્થા જુદી જુદી હોવાથી કેટલાક શબ્દોનાં લિંગ આપી શકાયાં નથી. કેટલીક ભૂલો સમયમર્યાદાને કારણે તો કેટલીક જગ્યાએ કમ્પ્યૂટર સોફ્ટવેરની મર્યાદાને કારણે ભૂલો રહેવા પામી છે. જોડણીમાં એકવાક્યતા લાવવા માટે વિકલ્પો ઓછા કરીને જોડણીને શક્ય એટલી વ્યવસ્થામાં ગોઠવવાથી જોડણીના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શકે.’

પુરવણીનો ઉપયોગ કરતી વખતે શું તકલીફ અનુભવાય છે તે અંગે ભાષાસંયોજક અને પ્રૂફરીડર વજેસિંહ પારગી જણાવે છે, ‘એક જ શબ્દની જોડણી જુદાં જુદાં પાને જુદી જુદી હોય ત્યારે સાચી જોડણી નક્કી કરવામાં દ્વિધા થાય. પ્રૂફરીડિંગની અને જોડણીની આટલી ભૂલો કોશની પ્રમાણભૂતતા પર શંકા પ્રેરી શકે. કોઈ પણ ભાષાપ્રેમીને ને શુદ્ધતાના આગ્રહીને આવી ક્ષતિઓ કઠે જ. કોશમાં આવી ક્ષતિઓ ન જ ચલાવી લેવાય!’

પાંચમી આવૃત્તિમાં મગનભાઈ દેસાઈ નોંધે છે તેમ ‘કોશ જેવી ચીજને નસીબે ભાગ્યે કદી પરિપૂર્ણતા સંભવી શકે.’ કે ગમે તેટલી ઉત્કટતાથી કામ કરો છતાં કાંઈક બાકી તો રહે જ!

કોશની આ નિયતિ સ્વીકારી લઈએ તોયે આ ક્ષતિઓ વિદ્યાપીઠ સુધારી લે એવી અપેક્ષા પણ એક ગુજરાતી ભાષી તરીકે રાખીએ તો એ અસ્થાને તો નથી જ!

પૂરક માહિતી અને પ્રૂફસુધારણા : વજેસિંહ પારગી



6 comments:

વિવેક ટેલર said...

પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય...

હાર્દિક અભિનંદન...

U-said-it said...

Good job. Pl. send it to Sudarshanbhai too.

divyesh vyas said...

Gandhiji je granth na adhare garvapurvak kahi shakata hoy ke "Have pa6i koine swechchae jodani karavano adhikar nathi" teni puravani ma raheli bhulo mate koi bachav hoi shake nahi. Bhulo Satvare sudharashe evu ichchie. Puravani ange ghana ne asantosh hato, ghana bhulo ange chanbhan pan karata hata, tyare tame abhyashpurna lekh kari ne Gujarati bhasha ni sari seva kari 6e. Ghani mahenat magi letu abhinandaniy karya karyu 6e.

Dr D M Joshi said...

From Uttam Gajjar

વહાલા ભાઈ કીરીટ,

તમે અને ભાઈ શ્રી. વજેસીંહ પારગીએ સરસ સેવા કરી છે ગુજરાતી ભાષાની શુદ્ધતા માટે થઈને.
ભારે શ્રમ, સુઝ અને શુદ્ધત્વની ધગશ માગી લેનારું આ કામ છે !

દોષ બતાડીએ એ ભાગ્યે જ કોઈને ગમે; પણ આ તો ‘ભાષાની ગીતા’નું કામ છે.
શુદ્ધ લખાણના આગ્રહી, બીજા ઘણા કોશ ઉપલબ્ધ હોવા છતાં, છેવટે ‘સાર્થ જોડણીકોશ’નું જ શરણું લે છે.
ભગવદ્ગોમંડળની જોડણીયે કેટલેક સ્થળે જુદી પડે છે. ત્યારે સાર્થનું જ શરણું.!

અમારા સૌના તમને હાર્દીક અભિનંદન..આ કામ જારી જ રાખજો. અમેયે સહકાર કરવા તૈયાર છીએ.

સામાન્ય રીતે હું બ્લોગ પર કશી ટીકા–ટીપ્પણી લખતો નથી. પણ એક પ્રયોજન હેતુ આ લખું છું.

તમારા આ લેખની નકલ કાઢી, ઝેરોક્સ કરાવી નીચેના મહાનુભાવોને તેમની જાણ માટે ટપાલમાં મોકલવા ઈચ્છું છું.
કારણ કે મોટા ભાગના વીદ્વાનો ઈન્ટર્નેટથી સાવ અજાણ છે.તેથી તેમના સુધી આ સંદેશ ટપાલ મારફત જ પહોંચી શકે.

સર્વશ્રી. નારાયણ દેસાઈ

પુરવણી તૈયાર કરનાર વીદ્વાનો સર્વશ્રી. સુદર્શન આયંગર(કુલનાયક), ડૉ. ચન્દ્રકાન્ત શેઠ, પ્રા. ત્રીકમભાઈ પટેલ, ડૉ. વી.જે. ત્રીવેદી, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. વસંતભાઈ ભટ્ટ, ડૉ. શીલીનભાઈ નંદુભાઈ શુક્લ, પ્રા. રમેશભાઈ શાહ, પ્રા. પ્રહ્લાદભાઈ પટેલ, ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય વગેરે.

સાથે ‘ગુજરાતી ભાષાપરીષદ’ના પ્રમુખ ડૉ. કનુભાઈ જાની, ડૉ. યોગેન્દ્ર વ્યાસ, ઈન્દુકુમાર જાની, મનીષી જાની, કીરણ ત્રીવેદી અને રામજીભાઈ પટેલ વગેરે. શ્રી. રતીલાલ નાયકને પણ.

તમે સાકરી, મહેસાણાના છો એટલી ખબર પડી. તમને મેઈલ લખી, તમારી મંજુરી માટે; પણ તમારો જવાબ નથી.
તમારો ફોન નંબર પણ મળી શક્યો નથી. તેથી તમારા બ્લોગ મારફતે તમને મારો આ પત્ર
પહોંચાડું છું અને મંજુરી માગું છું.

મારો ફોન નંબર 0261-255 3591 છે. આ તમારા વાંચવામાં આવે તો મને ફોન પર પણ જણાવી શકો.

યાદ રહે.વીદ્યાપીઠની કે બીજા કોઈનીય ભુલ બતાડી નીચા બતાડવાનો આ પ્રયાસ હરગીજ નથી.
કેવળ ક્ષતીઓ સુધરે અને ભાષકોને શુદ્ધ ગ્રંથ મળે તે માત્ર એક હેતુ છે અમારો આમ કરવા પાછળ.

સામાન્ય રીતે હું બ્લોગ પર કશી ટીકા–ટીપ્પણી લખતો નથી. પણ એક પ્રયોજન હેતુ આ લખું છું.

તમારા આ લેખની નકલ કાઢી, ઝેરોક્સ કરાવી નીચેના મહાનુભાવોને તેમની જાણ માટે ટપાલમાં મોકલવા ઈચ્છું છું.
કારણ કે મોટા ભાગના વીદ્વાનો ઈન્ટર્નેટથી સાવ અજાણ છે.તેથી તેમના સુધી આ સંદેશ ટપાલ મારફત જ પહોંચી શકે.

સર્વશ્રી. નારાયણ દેસાઈ

પુરવણી તૈયાર કરનાર વીદ્વાનો સર્વશ્રી. સુદર્શન આયંગર(કુલનાયક), ડૉ. ચન્દ્રકાન્ત શેઠ, પ્રા. ત્રીકમભાઈ પટેલ, ડૉ. વી.જે. ત્રીવેદી, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. વસંતભાઈ ભટ્ટ, ડૉ. શીલીનભાઈ નંદુભાઈ શુક્લ, પ્રા. રમેશભાઈ શાહ, પ્રા. પ્રહ્લાદભાઈ પટેલ, ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય વગેરે.

સાથે ‘ગુજરાતી ભાષાપરીષદ’ના પ્રમુખ ડૉ. કનુભાઈ જાની, ડૉ. યોગેન્દ્ર વ્યાસ, ઈન્દુકુમાર જાની, મનીષી જાની, કીરણ ત્રીવેદી અને રામજીભાઈ પટેલ વગેરે. શ્રી. રતીલાલ નાયકને પણ.

તમે સાકરી, મહેસાણાના છો એટલી ખબર પડી. તમને મેઈલ લખી, તમારી મંજુરી માટે; પણ તમારો જવાબ નથી.
તમારો ફોન નંબર પણ મળી શક્યો નથી. તેથી તમારા બ્લોગ મારફતે તમને મારો આ પત્ર
પહોંચાડું છું અને મંજુરી માગું છું.

મારો ફોન નંબર 0261-255 3591 છે. આ તમારા વાંચવામાં આવે તો મને ફોન પર પણ જણાવી શકો.

યાદ રહે.વીદ્યાપીઠની કે બીજા કોઈનીય ભુલ બતાડી નીચા બતાડવાનો આ પ્રયાસ હરગીજ નથી.
કેવળ ક્ષતીઓ સુધરે અને ભાષકોને શુદ્ધ ગ્રંથ મળે તે માત્ર એક હેતુ છે અમારો આમ કરવા પાછળ.

Raag said...

good che kirit......keep it up

Pancham Shukla said...

Very good work. Very useful and constructive.