દરેક પ્રજાને એનાં પોતીકાં આગવાં લોકપાત્રો છે. તળવાસી પ્રજા પણ એમાંથી બાકાત નથી. નાતાલના પર્વ પર બાળકોને ભેટસોગાદો આપીને આનંદની લહાણી કરતા સાન્તાકલોઝના પાત્રને આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતના આદિવાસીઓમાં પણ એમનાં લોકપાત્રો છે. મધ્ય ગુજરાતના વનબંધુઓમાં રાયબૂડિયું (સ્ત્રી-પુરુષ) નામનું પાત્ર છે, જે બારમા જેવા શોકગ્રસ્ત પ્રસંગોમાં સ્થૂળ મનોરંજન કરીને લોકોને દુખમાં ડૂબી જતા અટકાવવાના ને હળવા રાખવાના પ્રયત્નો કરે છે.
આવું જ એક પાત્ર સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગામોની આદિમપ્રજામાં ખોદું (ખોદહું)નું છે. સંસ્કૃત નાટકોમાં રાજાની સાથે વિદૂષક-મશ્કરો રહેતો. જે તેની જડબુદ્ધિથી હાસ્ય નિષ્પન્ન કરતો તો સાથે રાજાને સાચી વાત કહેવાનું જિગર પણ રાખતો હતો. ખોદું પણ આવો જ ભોળો ભાભો છે! જેના હૈયે સદાય લોકહિત વસેલું છે. એ લોકોને અજ્ઞાનમાંથી જ્ઞાનનો માર્ગ ચીંધે છે.
આસોમાસના અંધારિયા (કૃષ્ણપક્ષ)માં ખોદુંનો વેશ કાઢવામાં આવે છે. તેના શરીર પર ‘અહૂરી’ (ડાંગર)ના ઘાસને બાંધવામાં આવે છે. તે ઘેર ઘેર ફરીને, સૌને મળી મળીને, અનોખી રીતે નાચી નાચીને નવા પાકેલાં ધાન કે ફળફૂલની માગણી કરે છે, સાથે તે ગ્રામવાસીઓનાં દુખ પણ ભેગાં લઈ લે છે. ઘરધણી કે ઘરધણિયાણી તે આપવાની ના પાડે તો તે રિસાઈ જાય છે અને ગમ્મત સાથે જ્ઞાન પણ આપી જાણે છે! તેણે એકઠાં કરેલાં ધાન ને ફળફૂલનો પ્રસાદ આખા ગામમાં વહેંચવામાં આવે છે. અંતે, ખોદુંના શરીર પરના અહૂરીના ઘાસને બાળવામાં આવે છે. તે ઘાસને બાળવા પાછળની માન્યતા એવી છે કે તેની સાથે ખોદુંએ એકઠાં કરેલાં ગ્રામજનોનાં દુખદર્દ પણ બળીને ખાખ થઈ જાય છે.

1 comment:
Very Good article!
Ajay
Post a Comment