Saturday, March 21, 2009

માયા મુકાતી નથી ને મોહ છુટતો નથી


ગામ સોહામણું છે તો શહેર લોભામણું છે; ગામની હૂંફ અને આત્મીયતા ખેંચે છે તો શહેરની તક અને સગવડ બાંધે છે. શહેરના મોહપાશથી છુટાતું નથી તો હ્રદયનો એક ખૂણો ગામની માયાને ઝૂર્યા કરે છે. પ્રસ્તુત છે શહેરના મોહપાશથી ન છૂટતા છતાં ગામની માયા ન મૂકતાં ગામવછોયા વ્યકિતત્વોની કથની

ગામ ભલે ધૂળિયું હોય પણ ‘ગામ ત્યાં રામ’ એવી એક કહેતી છે. રામ એટલે પોતીકાપણું; રામ એટલે આધાર; રામ એટલે અલ્લાબેલી! ગામની વિશેષતાને રામ સાથે સરખાવવામાં આવી છે એવા ગામમાં કૂકડેકૂકની છડી સાથે પડતી સવાર હોય; પ્રભાતિયાંનો કર્ણપ્રિય નાદ પ્રભાતને ભર્યું ભર્યું કરી મૂકતો હોય; ઝાલરટાણે ગોધણની રણકતી ઘંટડીઓ વચ્ચે પડતી સાંજ હોય; અજવાળી રાતે આંગણામાં સૂતાં સૂતાં ચાંદામામાની સાક્ષીએ આકાશદર્શન કરવાનું હોય; તારા જાણે પોતાના ખોબામાં સમાઈ જવાનું ઇજન આપતા હોય; શિયાળાની રાતે તાપણે તાપતાં તાપતાં દાદાદાદીના મુખે પરીઓ અને રાજકુમારોની અજબગજબની વાતો સાંભળવાની હોય, વૈશાખમાં નદીના ધરામાં ધુબાકા મારવાના હોય, વસંતમાં આંબાની મંજરીની મહેક શ્વસવાની હોય કે કેસૂડાંના રંગે રંગાવાનું હોય; પથરા મારીને આંબા પરથી પાડેલા મરવાની કે આંબલીના કાતરાની ખટાશ ચાખવાની હોય; મોરનો કેકારવ કે કોયલના ટહુકારથી પુલિકત થવાનું હોય; પહેલા વરસાદથી ફોરેલી ધરતીની સોડમથી ઉન્માદિત થઈને ઉઘાડા ડિલે નાચવાનું હોય; હળ ખેંચતા ધોરીના ગળામાં ઘમકતી ઘૂઘરમાળ કે ઘમ્મરવલોણાના મંજુલ રવને શ્રવણ કરવાનો હોય! નિસર્ગના આ બધા રંગોમાં રંગાઈને બાળપણ વીતતું હોય ત્યાં કાળચક્ર કરવટ બદલે! ગામડાગામમાં વિકાસની ઓછી તકો; આજીવિકાનાં ટાચાં સાધનોનો અહેસાસ; કંઈક બનવાના, પ્રસ્થાપિત થવાના ઓરતા જાગે કે એ સપનાંને સાકાર કરવા ગામડાનો અબુધ યુવાન ગામનો ધૂળિયો માર્ગ છોડીને શહેરનો ધોરી માર્ગ પકડે; તારોડિયાનો અજવાસને આગિયાનો પલકારો છોડીને નિયૉન લાઇટની ચમકદમક ને ઝાકઝમાક વચ્ચે અંજાવાનું મંજૂર રાખે; ગામમાં ગામધણીના ઠાઠમાઠથી જીવવાનું છોડીને શહેરના વસવાયા બનવાની નિયતિને સ્વીકારી લે છે ત્યારે જિંદગીની વરવી વિષમતાથી કોઈ બચી શકતું નથીની પ્રતીતિ થાય! આ કવિતાઈ પણ કરુણ વર્ણન ગામની માયા છોડીને શહેરના મોહમાં ફસાઈ ગયેલા ગામવછોયા વ્યક્તિત્વોનું છે. શહેરના મોહપાશથી ભલે કોઈ છૂટી શકતું નથી પણ આવી વ્યક્તિઓના હૃદયના એક ખૂણે ગામઝુરાપો સતત ધબક્યા કરે છે! આવો સાંભળીએ શહેરના મોહપાશથી ન છૂટતાં છતાં ગામની માયા ન મૂકતા વ્યક્તિત્વોની કથની!

પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામ ગોલાના પાલ્લાના વતની અને વલ્લભ વિદ્યાનગરના કાયમી નિવાસી એવા પ્રોફેસર અને જાણીતા સાહિત્યકાર મણિલાલ હ. પટેલ ગામની માયા અને શહેરના મોહ વિશે વાત કરતાં કહે છે, ‘જે માણસ ગામડામાં જન્મે છે એને ગામડાનાં હવાપાણી, ખોરાક માફક આવી જતાં હોય છે. એટલે એ એને માટે જીવનનો હિસ્સો છે. હું એને ગામડાની માયા નથી કહેતો. ગામડું એના શ્વાસ અને ઉચ્છ્વાસમાં વણાયેલું હોય છે. બીજી વાત તે ગામડાનું મોકળાશભર્યું વાતાવરણ. ત્યાં પડોશીનું ઘર બંધ નથી હોતું, એને રજા લઈને કે ઍપોઇમૅન્ટ લઈને જવાનું નથી હોતું. આપણે સહજભાવે જ આખા ગામમાં ગમે ત્યારે ગમે તેને ત્યાં પ્રેમથી જઈ શકીએ છીએ. ગામડાનો માણસ દંભી ઓછો ને નિખાલસ વધારે હોય છે. આજે જમાનો બદલાયો છે એટલે ગામડાનો માણસ પણ બદલાયો હોય એમ પણ બને! તેમ છતાં ગામડે જઈએ છીએ ત્યારે પોતાના ખોળિયામાં પાછા આવ્યા હોય એવો અનુભવ થાય છે. ત્યાંની રમણીય સવાર અને સાંજ, સીમવગડાનું વાતાવરણ, પશુપંખી, વૃક્ષોની ઓળખ અને એ બધા સાથેની સોબત બીજે ક્યાં હોય છે કહો એમ? માટે આપણને ગામડું વળી વળીને બોલાવે છે. આજે ગામડામાં શહેરોની સગવડ પહોંચી ગઈ છે. તેમ છતાં ગામડામાં સહજ વાતાવરણ અને ઉલ્લાસ બચ્યાં છે. ત્યાં માણસ કદી નોંધારો કે એકલો નથી હોતો. એને પ્રકૃતિ, પંખીઓનો સાથ તો હોય જ છે. આ માટે હોવું જોઈએ ભાવભર્યું હૃદય."

ગામડાના જણને શહેરનો મોહ કે માયા કેમ લાગે છે તેનાં કારણો આપતાં મણિલાલ હ. પટેલ ઉમેરે છે, ‘શહેરોમાં સગવડો વહેલી આવી, મનોરંજનનાં સાધનો આવ્યાં, ખાવાપીવાનું, પહેરવાઓઢવાનું અને ફરવામહાલવાનું શહેરમાં વધારે મળે છે એવો ગામડાના માણસને ખરોખોટો ખ્યાલ હોય છે. એટલે કેટલાક લોકો પૈસો કમાવા શહેરમાં આવે છે, અને શહેરની સગવડોથી ટેવાય છે. ભૌતિક સુખ અને પોતાનું એકલું જીવન એને ધીમે ધીમે માફક આવી જાય છે. એટલે પછી એને શહેરની માયા લાગે છે. એને શહેર છોડવું ગમતું નથી. ગામડે જાય છે તોપણ પાછો જ શહેરમાં આવી જાય છે. હકીકતે તો એ સંકુચિત અને સ્વાર્થી બની ગયો હોય છે. બાકી, શહેરના જીવનના પણ ચોક્કસ પ્રશ્નો છે. સવાલ તો માણસની ટેવોનો છે. માણસ ખરેખર તો આદિમતામાંથી આવ્યો છે એને વળી વળીને એ આદિમતત્ત્વો પહાડ, નદી, વનો, વર્ષાઋતુનું રૂપ, પ્રચંડ ઉનાળો, અને ઠારી નાખતો શિયાળો ગમે જ છે. પણ માણસ સરવાળે સુંવાળો બનીને શહેરથી ટેવાઈ જાય છે. એને આપણે મોહ લાગ્યો કે માયા વળગી એમ કહીએ છીએ. મને તો ગામડું અને શહેર બંને ગમે છે. મોહમાયા તો મને પ્રકૃતિની લાગેલી છે. ખરું જીવન તે પ્રકૃતિમય જીવન છે અને હું તો એ થોડા અંતરે મેળવું છું, એને જીવું છું.’

મહીસાગર નદી, નદીકાંઠે આવેલું કહાનવાડી ગામ, ગામના નામનો પણ જેમને ખૂબ મોહ છે અને અઠ્ઠાવન વર્ષે પણ ગામાની માયા મેલી નથી એવા કવિ અને પૂર્વ અધિક માહિતી નિયામક દલપત પઢિયાર ગામડાની માયા અને શહેરના મોહ વિશે વાત કરતાં જણાવે છે, ‘હિસાબ કરવા બેસું તો આયુષ્યનો મોટો હિસ્સો એટલે કે ૪૦-૪૨ વર્ષ શહેરમાં ગાળ્યાં. ગામડું તો માત્ર ૧૬ વર્ષ જીવ્યો, તેમ છતાં આજે પણ મારું ગામ મને વધારે પ્રિય છે. ગામ પ્રત્યેનો લગાવ યથાવત્ છે. શહેર હજી તેના પર કબજો મેળવી શક્યું નથી. મારાં પોતાનાં ખેતરો મહીસાગરના આરે છે. આજ કરતાં એ વખતનું ગામડું ઘણું સાચું અને અબોટ હતું. શહેર ત્યાં આભડ્યુનું નહોતું. આજે તો ગામ, ગામમાં નથી રહ્યું કે નથી શહેરમાં. ગામના જે વાતાવરણને હું લઈને નીકળ્યો હતો તે આજે ન મળે. પણ મને તો આજે પણ પેલું મારું એ જ ગામ ગમે. મારા ગામમાં સંખ્યાબંધ વડલાઓ છે. મહીસાગર છે. ગામની માટી, કાશ્મીર જેવું પ્રાકૃતિક સૌંદર્ય અને કુટુંબ મારા જેવાને તો પકડી રાખે છે. મારું ઘર એક મંદિર છે. રવિભાણ સંપ્રદાયની ગાદી મારા ઘરમાં છે. આંખો ખૂલે સામે ગાદી, ગાદીના શંખલા, માળાઓ, નરઘાં આ બધાં સાથે અમે રમતાં. કુટુંબે આપેલો ભક્તિનો વારસો, બધા જ ગામલોકો દર પૂનમે ઘરે આવે. ઘર જાણે જીવતું તીર્થ. આ બધા ગામડાની માયાનાં કારણો છે. મને તો વિશ્વવિદ્યાલય કરતાં પણ મારા ગામની પ્રાથમિક શાળા મોટી લાગે છે. ભણવા માટે થઈને નગરપ્રવેશ કરવો પડ્યો. ભણતર, વ્યવસાયને કારણે શહેરમાં વસવાનું થયું, પણ શહેર મારી અંદર વસ્યું નથી. બીજનો જ પ્રભાવ હોય છે. એ જ વિકસતું હોય છે. ગામડાની મને માયા ખરી, પણ શહેરનો મોહ નથી.’ બીજા ગ્રામવાસીઓને શહેરનો મોહ કેમ હોય છે તે અંગે દલપત પઢિયાર ઉમેરે છે, ‘કેટલાક અભાવો પણ માણસને પીડતા હોય છે. કોઈ દિવસ ન જોયેલી સગવડો મળી જાય તો તે માણસથી છૂટતી નથી. ઘણા સ્વભાવે જ ‘સગવડવાદી’ થઈ ગયા હોય છે. મારે મન જરૂરિયાતો જુદી વસ્તુ છે અને લકઝરી જુદી વસ્તુ છે. ગામડાએ મારા હૃદયને પોષ્યું છે અને શહેરે મારા વિકાસને પોષ્યો છે. મારા ગામનાં નાનાં નાનાં મંદિર પણ મને તીરથ કરતાં મોટાં લાગ્યાં છે. આ બધી હૃદયસ્પર્શની વાતો છે જે મોટાઈમાં નથી. ગામ મારા માટે સૌથી મોટો ટીંબો છે. મારી માતા હોય એમ હું મારા ગામને ચાહું છું.’

જીવનનાં ૩૨ વર્ષ શહેરમાં ગાળ્યા પછી પણ ‘હજુ હું ગામડિયો છું વર્તનમાં અને એપ્રોચમાં’ એમ કહેતાં જાણીતા વાર્તાકાર અને અધિક કલેક્ટર કિરીટ દૂધાત ગામડા અને શહેરની મોહમાયા વિશે જણાવતાં કહે છે, ‘અર્બન સેન્સેબિલિટી આજે પણ મારામાં નથી આવી, શહેરમાં આટલાં વર્ષો વિતાવ્યા પછી પણ. ગામડામાં વિતાવેલા જીવનની શરૂઆતનાં ૧૬ વર્ષમાં કોઈ પણ ક્ષણે સરી પડાય છે. મારાં ત્રણ ગામ છે. જન્મસ્થળ મોટા આંકડિયા, વતન કણકોટ અને જ્યાં બાળપણ વિતાવ્યું તે મોસાળ કેરિયાચાડ. ગામમાં વીજળી પણ નહોતી. કુદરતના ખોળે જીવવાનું હતું. શરીર લઈને જ ગામ બહાર નીકળી શકાય. સમય અને સ્થળનું વિભાજન નહોતું. આ એક સરસ સમયગાળો ગયો. આજે એ ગામમાં ફરીથી જઈએ તો એ શક્ય ન બને, કારણ કે એ સમયખંડ ચાલ્યો ગયો. શહેરમાં તમારા પર નિયંત્રણ નથી. જ્યારે ગામડામાં તમારા જીવનનાં વિવિધ પાસાંઓ પર આખો ગ્રામસમાજ નિયંત્રણ લાદે છે. ગામડામાં સ્વતંત્રતા જોખમાય છે. શહેરમાં મોકળાશ વધારે છે. ગામડામાં આજે પણ અમુક કપડાં પહેરાય નહીં, અમુક લોકો સાથે ફરાય નહીં તેવા ખ્યાલો પ્રવર્તે છે. ગામડાની ગમતી બાબતો સામૂહિક જીવન અને જગ્યાની મોકળાશ છે.’

કિરીટ દૂધાતને શહેરનો છૂપો મોહ હતો, પણ તે એટલો મજબૂત નહોતો કે ગામમાં નાનાનાનીને છોડીને તે શહેરમાં આવે. પરંતુ અભ્યાસને આગળ ધપાવવા માટે તેમને ફરજિયાત શહેરમાં આવવું પડ્યું. તેમનું જીવન બંને જગ્યાએ અભાવોવાળું જ હતું. પરંતુ શહેરમાં આવ્યા પછી શું થયું તે અંગે કિરીટભાઈ ઉમેર છે, ‘ગામડામાં અભાવો લાગતા નહોતા. ગરીબીનો અહેસાસ થતો નહોતો પણ શહેરમાં તે અભાવો વર્તાયા. આપણે માનીએ છીએ તેઓ સમાજ હોતો નથી તેનું ભાન થયું. શહેરમાં રસરુચિને પોષનારાં તત્ત્વો મળ્યાં પણ હૂંફનો અભાવ પણ જોવા મળ્યો. હવે તો એવું છે કે ગામમાં બેચાર દિવસ માટે જવાનું હોય તો ઠીક છે, પણ એક વર્ષ ગામમાં રહેવાનું થાય તો શહેરની સુવિધાઓ ત્યાં ઊભી કરવી પડે. પરંતુ ક્યારેક એમ પણ લાગે છે કે આપણું સાચું સ્થાન ‘બસ’માં છે, કારણ કે ગામડા અને શહેરમાં બંને જગ્યાએ મોહભંગ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ગામડાનો જેવો વિકાસ થવો જોઈએ તેવો તો આજે પણ થયો નથી. એક અધિકારી તરીકે હું ઇચ્છું કે વચ્ચે વચ્ચે એવાં નાનાં નગરોમાં પોસ્ટિંગ થતાં રહે અને ગ્રામવિકાસની તકો મળતી રહે તેવો મોહ ખરો.’

ગામની માયા અને શહેરનો મોહ એ ઘરથી જતાં અને ઘર ભણી વળતાં, આ બે સંદર્ભો વચ્ચેની વાત છે. માણસની ગ્રંથિ કઈ રીતે બંધાયેલી છે તેના પર બધો આધાર છે. સુખ્યાત સૌંદર્યનિષ્ઠ વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા સાહિત્યમાં ગ્રામચેતનાના ઝુરાપાની વાત કરતાં કહે છે, ‘આપણે ત્યાં ગ્રામથી વિચ્છેદ થયાનો ખ્યાલ કેટલેક અંશે રંગદર્શી છે, વાસ્તવિક નથી. આજે ગામમાં નગર પ્રવેશી ગયું છે. કુટુંબના એકમો તૂટતા જાય છે, એણે ખાસ તો વિચ્છેદ ઊભો કર્યો છે. ગામ છોડ્યાની વેદના ઘણી કૃતિઓમાં જોવા મળે છે. પણ નગર છોડવાની વેદનાની વાતો જૂજ છે. માણસ કઈ ભૂમિમાં રોપાયો હોય છે અને કઈ દૂરની ભૂમિમાં જાય છે અને શેનો સ્વીકાર કરે છે? તેના પર બધો આધાર છે. માણસની દૃઢ સ્મૃતિઓ અને સંસ્કારો તેને નવી પરિસ્થિતિમાં જીવવા દેતા નથી. કેટલાક એવા પણ હોય છે જે સતત પ્રવાસી તરીકે ફર્યા જ કરતા હોય છે. એટલે મૂળભૂત મોહ તો માણસને તેના દૃઢ સંસ્કારોનો છે. બાળપણ જ તેની બ્લૂપ્રિન્ટ છે, અને આગળ જતાં એ જ એનો ડ્રાઇવિંગ ફૉર્સ બને છે.’

જાણીતા મૅનેજમેન્ટ નિષ્ણાત અને નિવૃત્ત પ્રોફેસર ધવલ મહેતાના મતે, ‘ગામડાનો મોહ નથી હોતો પણ બાળપણનો ઝુરાપો જરૂર હોય છે. આ નોસ્ટાલ્જિયા છે. ભૂતકાળ માટેનું ખેંચાણ છે. આખા ભારતમાં ગામડાનું ગ્લોરીફિકેશન કરવાનું વલણ જોવા મળે છે. જ્યારે આજે પણ ગામડાંમાં જ્ઞાતિમાં રચ્યાપચ્યા, પછાત મનોદશા ધરાવતા લોકો વસે છે. ત્યાં જિવાય જ નહીં. એટલે જ આંબેડકરની ‘શહેર ચલો’ વાળી વાત સાથે સહમત થવાનું મન થાય છે. શહેરમાં આઇડેન્ટિટીની ખબર પડતી નથી. સામે શહેરો ગીચ અને ગંદાં છે તે આપણી અવ્યવસ્થાનું પરિણામ છે. પશ્ચિમમાં શહેરો ખૂબ રહેવા લાયક છે. ગામડામાં તો માત્ર ચોખ્ખાંહવાપાણી માટે કેટલાક દિવસો માટે જઈ શકાય. ‘મોહ’ તો શહેરનો જ હોવો જોઈએ. ગામડાના વૃદ્ધો પણ ભૂતકાળને યાદ કરતા હોય છે. ભૂતકાળની દુનિયાનો ઝુરાપો માણસજાતને રહેવાનો તે સ્વાભાવિક છે. બાળપણમાં કોઈ જવાબદારી ન હોય, માબાપનો બિનશરતી પ્રેમ મળતો હોય, તમે છો એટલું જ માબાપ માટે પૂરતું હોય છે. જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણે શું પર્ફૉર્મન્સ કરીએ છીએ તેના પર બધો મદાર રખાય છે. પરિણામે બાળપણ તો યાદ આવવાનું જ. એટલે ‘ગો બૅક ટુ નેચર’ વાળી વાત છે, પણ ગો બૅક ટુ વિલેજીસ નથી.’

મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના નિષ્ણાત અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રસેન્દ્ર પંડ્યા આખી વાતનો ફોડ પાડતાં ગામડાની માયા લાગવાનું કારણ સમજાવતાં આમ કહે છે, "જીવનના પ્રારંભિક અનુભવો, દૂરગામી સંસ્કારો પાછળની જિંદગીમાં રહી જાય છે. હૂંફ, એકાત્મકતા, કુટુંબની ભાવના, મુશ્કેલીમાં મદદ, સમૂહમાં જીવવાનો આનંદ અને ગામડાની મર્યાદિત જરૂરિયાતો પૂરેપૂરી સંતોષાય છે, આવો અનુભવ શહેરમાં થતો નથી, કારણ કે શહેરમાં મોટો સમુદાય હોવાને કારણે કોઈ કોઈને ઓળખતું નથી. માણસને પોતાના સમૂહ સાથેનું તાદાત્મ્ય મળતું નથી. તેથી તેને એકલતાનો અનુભવ થાય છે. પરિણામે, ભય, અસલામતી અને અસંતોષની ભાવના પ્રગટે છે. શહેરની ઝાકઝમાકથી પ્રભાવિત થનારો માણસ જીવનજરૂરિયાતને સંતોષવા માટેની ચીજો અમર્યાદ સંખ્યામાં જોતો હોય છે. તેથી તેનામાં અતૃપ્તિની ભાવના પણ જાગે છે. જે જોઈએ છે તે મળી રહે છે છતાં પણ જે નથી હોતું તેનો અસંતોષ તેનો સતત હેરાન કર્યા કરે છે. પરદેશ જનાર વ્યક્તિ સ્વદેશમાંથી જે બૅગ લઈ ગયો હોય, જેમાં તેની યાદો પડી હોય એ સતત સુષુપ્ત રીતે તેને સ્વદેશ તરફ ખેંચે છે. બિલકુલ તે જ રીતે શહેરમાં રહેતી વ્યક્તિને પણ પોતાના મૂળ તરફ જવાનું સતત ખેંચાણ તથા અદમ્ય ઝંખના રહેતી હોય છે.ગ્રામસમાજમાં માણસ એક જૂથના ભાગ તરીકે જીવે છે. વ્યક્તિ તરીકે નહીં. જેમ માના પેટમાં બાળકને જેવી સલામતી અને સંતોષની લાગણી થાય તેવી જ લાગણી તેને ગ્રામીણ જીવનમાંથી થાય છે. છેક એટલે સુધી કે ગામમાં સુખ દુઃખનો પ્રસંગ પણ સામૂહિક હોય છે. તેથી માણસ એકલતા અનુભવતો નથી. સાથ અને સહકાર, સ્નેહ અને હૂંફ તેને સતત આત્મસંતોષ આપે છે. તેથી શહેરમાં અનેક વર્ષ રહેવા છતાં ગામડાનું આકર્ષણ તેની મૂળભૂત જરૂરિયાત થઈ જાય છે."
તો સામે છેડે ગામડામાં ન જોયેલી સાધનસમૃદ્ધિ તેને શહેરમાં જોવામાણવા મળે છે. શહેરમાં માધ્યમો દ્વારા મળતા અનુભવો અને મનોરંજન તેને નવા જ જીવનની ઝંખના માટે પ્રેરે છે. શહેર અનેકવિધ નવી તકો, નવા સમૂહોનો અનુભવ, આગળ વધવાની મનુષ્યમાં રહેલી અદમ્ય ઇચ્છા પૂરી કરવાનું સાધન બની રહે છે. તેથી તેના જીવનની ક્ષિતિજ અનેકવિધ રીતે વિકસિત થાય છે. કવિ રાજેન્દ્ર શાહ કહે છે, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’ આવી વિશાળતાને સ્પર્શેલા વિશ્વમાનવો પણ સ્વ ઓળખની શોધમાં હોય છે અને તેને સ્થાપિત પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરતા હોય છે. શેઢા પર બેસીને કમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકીએ તેવી સાંપ્રત સ્થિતિ હોવા છતાં ગામડાનો માણસ ફૂટપાથ અને શેઢા વચ્ચે હિજરાતો, વહેરાતો રહે છે.

2 comments:

Unknown said...

Got your link on my email. Congrates N best wishes for your BlogVenture. This 'Gamno moh...' article was readable but mostly it failed to give new perspectives. Your craft as a journalist saved you, because others' point of view kept me reading, 'what Manilal-Topiwala-Dhavalbhai has to say' kind of curiosity holds. Was this an article done for some magazine? Then it should have that info attached, otherwise an elaborated exercise for Blog spot was good.
- Kiran Trivedi

suresh parmar said...

ખરેખર, લોકો ગમે તેટલા પૈસાદાર થાય પણ પોતાના ગામની માટીની ભીનાશ કાયમ તેમની સાથે જ હોય છે. આટલી જાહોજલાલી હોવા છતાં માણસને ગામની ખોટ સાલે એ વાત જાણીને આનંદ થાય છે. મિત્ર કિરીટ આવા નવા નવા વિષયો પર પોતાની કલમ ચલાવતો રહે એવી શુભેચ્છા...