Sunday, March 1, 2009

"જળને પડદે"નો અભિનવ નાટ્યપ્રયોગ




(પહેલાં અને ત્રીજા ફોટામાં કવિ કાન્તની ભૂમિકામા કમલ જોશી તથા બીજા નંબરની તસવીરમાં ડાબેથી નાટકના લેખક સતીશ વ્યાસ, અભિનેતા કમલ જોશી અને સહયોગીઓ)


"God is love સ્નેહ સ્નેહને જુએ છે. સ્નેહ સ્નેહને ખેંચે છે. સ્નેહ સ્નેહથી બંધાય છે. સકળ ભાવના સકળ વિશ્વમાં વ્યાપેલી એક જ વિભૂતિ તે સ્નેહ છે." આ કોઈ સુવિચાર કે વ્યાખ્યાનનો અંશ નથી પણ (ગુજરાતી સાહિત્યમાં) જે નાટ્યના 32 પ્રયોગો થઈ ચૂક્યા એવા "જળને પડદે"નો સંવાદ છે. "જળને પડદે" સતીશ વ્યાસરચિત અને પંડિતયુગના ગુજરાતી સાહિત્યના અગ્રણી ઉર્મિકવિ, નાટ્યકાર, વિવેચક મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)ના જીવનસંઘર્ષ પર આધારિત મૌલિક નાટક છે.

"રોમન સ્વરાજ" નાટક દ્વારા કાન્તે લોકશાહી અને વ્યક્તિસ્વાતંત્ર્યનું મૂલ્ય ગાંધીજીની પહેલાં આપ્યું હતું. અનેક પ્રકારના આંતરબાહ્ય સંઘર્ષોથી ભરેલા કાન્તના જીવનકવનની એકપાત્રીય નાટ્ય પ્રસ્તુતિ, અભિનય-દિગ્દર્શનની બેવડી જવાબદારી કમલ જોશીએ નિભાવી જાણી છે. આ નાટક ભારતનાં મુંબઈ, કોલકાતા, ઈન્દોર, અમદાવાદ, સુરત, વલસાડ, ભાવનગર, વડોદરા, પાટણ, નડિયાદ, દહેગામ, મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર, અંકલેશ્વર અને પાલનપુર જેવાં મોટાં શહેરોમાં ગુજરાતી અને હિન્દીમાં ભજવાયું છે. તાજેતરમાં અમદાવાદ ઉસ્માનપુરા ખાતેના વિશ્વકોશના સભાખંડમાં ડિવાઈન પ્રકાશનના ઉપક્રમે "જળને પડદે"ની અંગ્રેજી અનૂદિત રચના "મિસ્ટ ઓફ ટિયર્સ" (અનુવાદ- રૂપાલી બર્ક, દર્શના ત્રિવેદી)નો લોકાપર્ણ અને નાટ્યમંચનનો સમારંભ યોજાઈ ગયો. લેખક સતીશ વ્યાસ જણાવે છે, "હિન્દી અનુવાદ દ્વારા આ કૃતિ આખા દેશમાં પહોંચી અને અંગ્રેજી અનુવાદ દ્વારા આ કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક મળ્યું. બીજા દેશોમાં પણ આ કૃતિ ભજવાશે એવી દિશાઓ ખૂલી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાન્ત જેવા મોટા ગજાના સર્જકની વ્યક્તિસ્વાતંત્ર્ય માટેની મથામણ અને ધર્મ એ વ્યક્તિગત ર્દષ્ટિબિંદુ છે, સામૂહિક નથી તે બાબતો વિશ્વફલક સુધી પહોંચે તે જરૂરી હતું. "

નાટક લખવું એ સાત અશ્વો પર સવારી કરવા જેવું કામ છે. દ્વિઅંકી નાટક "જળને પડદે"માં એક જ પાત્ર આખા નાટકની અભિનય ક્ષમતા પુરવાર કરે છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે કમલ જોશી દ્વારા આ નાટકની ભજવણી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહમાં પ્રથમ અંગ્રેજીમાં અને પછી મૂળ ગુજરાતીમાં એમ બંને ભાષાઓમાં થઈ. પરિણામે, દ્વિભાષી પ્રેક્ષકસમૂહને બંને ભાષાની ઝાંખી થઈ અને આવા અભિનવ પ્રયોગથી અનેરા આનંદની સાથે સાથે બંને ભાષાની અભિવ્યક્તિની તુલના કરવાની તક પણ સાંપડી. નાટકના અનુવાદકો રૂપાલી બર્ક અને દર્શના ત્રિવેદીએ તો માતૃભાષા ગુજરાતીને વિશ્વફલક પર મૂકવા માટે ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ મિશન તરીકે ઉપાડી લીધું છે. નાટકનો અંગ્રેજી અનુવાદ કરનાર રૂપાલી બર્ક કહે છે કે અનુવાદનું કાર્ય આનંદથી લઈ નિજાનંદ સુધીની સફર કરાવે છે. તો બીજા અનુવાદક દર્શના ત્રિવેદી અનુવાદના કામને સ્નેહકાર્ય તરીકે ઓળખાવે છે.

નાટકના અભિનેતા કમલ જોશી કહે છે, " આ નાટકની ભજવણી ખૂબ અઘરી છે. એક પાત્ર રંગમંચ પર હોય ત્યારે તેની મુશ્કેલીઓ વધી જાય છે. મારા પક્ષે એક ભય હતો કે નાટક ભજવતાં કંઈક સરતચૂક થાય તો શું કરવું? પણ આ ભયસ્થાનો એ જ મને એમાં ઓતપ્રોત કરીને 32 સફળ પ્રયોગ સુધી પહોંચાડ્યો છે. જ્યારે હું રંગમંચ પર આવું છું ત્યારે નદી, નાની, પ્રાણુ, ન્હાનાલાલ, ભાવસિંહજી મહારાજ, કલાપી, બ. ક. ઠાકોર અને પ્રકૃતિ જેવાં પાત્રો મારી આસપાસ ઊભા થઈ જાય છે. આજે આ બધાની સાથે હું જીવું છું. પ્રકૃતિ અને ઈશતત્ત્વનો સમન્વય જ મને સાચા દ્વિજત્વ તરફ લઈ જાય છે. "

અઢી કલાક સુધી અંગ્રેજીમાં નાટક ભજવ્યા બાદ દસ મિનિટમાં સ્વિચ ઓવર થવું અને પછી ગુજરાતીમાં તે નાટક ભજવવું તે કોઈપણ અભિનેતા માટે અઘરું હોય છે. પરંતુ કલાકાર કમલ જોશીએ તે કરી બતાવ્યું. સમગ્ર ગુજરાતી નાટ્યસાહિત્યમાં કદાચ આ પહેલો પ્રયોગ હશે કે અંગ્રેજીમાં નાટક ભજવાયા બાદ ફક્ત દસ મિનિટના અંતરાલ બાદ તરત જ એ જ નાટક ગુજરાતીમાં પણ સફળતાપૂર્વક ભજવાયું હોય. આપણે ત્યાં એકપાત્રીય નાટ્યપ્રયોગો તો ઘણા થયા છે. પરંતુ તે સવા કલાકથી વધારેના નથી થયા અને તે પણ પાછા લાઈવ તો નથી જ થયા. ઘણાખરા રેકર્ડેડ જ હોય છે અને તે પ્રમાણે અભિનય કરવો સહેલો પડે છે. જ્યારે જળને પડદે અઢી કલાક સુધી લાઈવ થાય અને સ્ટેજ પર સહેજ પણ ખાલીપો ન વર્તાય તે નટની મોટી સિદ્વિ જ ગણાય. આ નાટકમાં સંગીત અને પ્રકાશ પણ પાત્રનું કામ કરે છે. તેથી કમલ જોશી ઉમેરે છે," આ નાટકમાં મને અભિનય કરવાની તો મજા પડે જ. પણ દિગ્દર્શનનું કામ કરવાની પણ ખૂબ મજા પડી છે. નિરજ પરીખ અને સમીર રાવલના સહયોગથી નાટકનું સંપૂર્ણ મ્યૂઝિક કંપોઝ થયું છે. કોઈ પણ પ્રકારનો રેડીમેડ સ્ટોક વપરાયો નથી. ગીતોને સ્વર નીરજ પરીખે આપ્યો છે. આ નાટકનો આગામી 33મો પ્રયોગ સુરેન્દ્રનગરમાં આઠમી માર્ચે યોજાવાનો છે." નાટકપ્રેમીઓની એવી ઈચ્છા છે કે આ નાટકનો પચાસમો પ્રયોગ અમદાવાદમાં ભવ્યરીતે થવો જોઈએ.

અપલક નેત્રે જોવાઈ જાય તેવા આ અદ્વિતીય નાટ્યપ્રયોગમાં દ્વિભાષી પ્રેક્ષક કાન્તમય બની જાય છે અને ધન્યતા અનુભવે છે. અંતે, આ નાટક જોતાં કે વાંચતાં ઓમ અને આમેન વચ્ચે રહેલી માનવીય સદભાવના ઝંકૃત થતી હોય તેમ અનુભવાય છે. કાન્તને જીવંત કરતો કમલ જોશીનો એકપાત્રીય અભિનય અને કવિ કાન્તનાં ખંડકાવ્યોને જે રીતે દૃશ્યમાન કરવામાં આવ્યાં છે તે ખરેખર અનુપમ ગણાય.
પૂરક માહિતી- મેહુલ પનારા

No comments: