( ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’ના કાર્યક્રમ સંયોજક પાર્થેશ પંડ્યા અને ગ્રામશિલ્પીઓ)
સાંભળો સરપંચો... તમારે તમારા ગામની કાયાપલટ કરવી છે? તો આમંત્રણ આપો આમને...
દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરીને સ્વદેશ ફરેલા ગાંધીએ એક વર્ષ ભારતભ્રમણ કર્યું. ભ્રમણ દરમિયાન તેમને પ્રતીતિ થઈ કે ‘હિન્દુસ્તાન તેનાં ગામડાંમાં વસે છે’ આ પ્રતીતિમાંથી તેમને ‘ગ્રામસ્વરાજ’ની વિભાવના મળી અને તેને સાકાર કરવા ૧૮ ઑક્ટોબર, ૧૯૨૦ના રોજ સ્વહસ્તે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૩૬માં બારમા ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં ગાંધીજીએ આત્મવિશ્વાસ અને પૂરા અભિનિવેશથી કહેલું, ‘વિદ્યાપીઠ છે અને રહેવાની જ છે, એ બે દિવસ માટેની નથી. સ્વરાજનો મંત્ર જાણતાં હઈશું ત્યાં સુધી વિદ્યાપીઠ રહેવાની જ છે. વિદ્યાપીઠ તો ગામઠી સ્ત્રીપુરુષોને ઘડવા સારુ રચાયેલી છે.’ ગ્રામસ્વરાજના ગાંધીવિચારને સરકાર પણ ગ્રામવિકાસ એજન્સી દ્વારા સાકાર કરવા પ્રયત્નશીલ છે તો વિદ્યાપીઠ પણ ગ્રામઘડતરમાં પોતાનું યોગદાન આપતી રહી છે. આજે પણ ગ્રામશિલ્પી જેવો કાર્યક્રમ અમલી કરીને વિદ્યાપીઠ ગ્રામીણ સમાજ સાથેનો પોતાનો નાતો જાળવી રહી છે. આપણે ત્યાં તો એવું છે કે થોડું ભણે તે ગામ છોડે અને ઝાઝું ભણે તે દેશ. આજીવિકા અને સ્વવિકાસ માટે સ્થળાંતર તો કરવું જ પડે, તેવી સાંપ્રત સ્થિતિ છે. આ સ્થિતિના ઉગાર માટે વિદ્યાપીઠે ગ્રામ ભણી વળવાનો, ગામમાં ટકવાનો પ્રયત્ન ગ્રામશિલ્પી કાર્યક્રમ દ્વારા કર્યો છે.
ગ્રામશિલ્પી યોજનામાં જોડાનાર સ્નાતક વિદ્યાર્થીને બે વર્ષ સુધી ગૂજરાત વિદ્યાપીઠ માસિક રૂપિયા પાંચ હજારનો માનદ પુરસ્કાર આપે છે. બે વર્ષ પછી ગ્રામશિલ્પીએ ગ્રામવિકાસ કરવાની સાથે સાથે પોતાની આજીવિકા માટેનું સાધન પણ શોધી લેવાનું હોય છે. બે વર્ષ પછી પણ વિદ્યાપીઠ ગ્રામશિલ્પીને સતત માર્ગદર્શન, મદદ કરે છે અને તેના સંપર્કમાં રહે છે. ગ્રામશિલ્પી કાર્યક્રમની સઘળી જવાબદારી ગૂજરાત વિદ્યાપીઠ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર વચ્ચે વહેંચાયેલી છે. વહીવટનું કામ વિદ્યાપીઠ સંભાળે છે અને ગ્રામશિલ્પીઓને તાલીમ આપવાનું કામ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સંભાળી રહ્યું છે. ગ્રામશિલ્પીઓને તાલીમ આપવાનું કામ કરતા, ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’ના કાર્યક્રમ સંયોજક પાર્થેશ પંડ્યા જણાવે છે, ‘જેમને કંઈક નવું કરવાની ઇચ્છા છે તેમના માટે ગ્રામશિલ્પી એ એક ઉત્તમ તક છે. પેટ તો કૂતરાંબિલાડાં પણ ભરી શકે, પણ બીજા માટે વિચારે એ માનવધર્મ ગણાય. અમે ગ્રામશિલ્પીઓને વિષયવસ્તુ આધારિત તાલીમ, અભિવ્યક્તિ માટેની તાલીમ, કૌશલ્ય આધારિત તાલીમ, મૂલ્ય આધારિત વલણ ડેવલપ થાય તેવી તાલીમ આપીએ છીએ. ગ્રામશિલ્પી તરીકે જોડાવામાં ગામડાંઓમાં કામ કરવાની તત્પરતા અને ગાંમડાંઓ પ્રત્યેનો લગાવ સૌથી વધુ મહત્ત્વનાં છે.’ ગયા વર્ષે ગ્રામશિલ્પી તરીકે કુલ સાત વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વર્ષે ત્રણ વિદ્યાર્થી જોડાયા છે. વિદ્યાપીઠ તો દર વર્ષે ૨૫ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં જોતરવા તૈયાર છે, પરંતુ ગામડાંમાં જઈને કામ કરનારા માણસો મળતા નથી. કેટલાક ગ્રામશિલ્પી અધવચેથી જ આ કાર્યક્રમમાંથી નીકળી ગયાના દાખલા પણ છે. આ બધી બાબતો વિદ્યાપીઠ માટે પડકારજનક છે. છતાં પણ થોડાઘણા પણ કાયમી ગ્રામનિવાસ કરી વિકાસનાં કાર્યો કરનારા માણસો મળી જ રહે છે. આવા ગ્રામશિલ્પીઓના ગામડાંના અનુભવો અને તેમણે કરેલાં કાર્યો જોવા જાણવા જેવાં છે.
માસ્ટર ઑફ રૂરલ મૅનેજમેન્ટ થયેલા ૨૩ વર્ષીય જલદીપ ઠાકરને ગ્રામવિકાસમાં વિશેષ રસ હતો. ગૂજરાત વિદ્યાપીઠે ‘ગ્રામશિલ્પી’ની યોજના શરૂ કરી તેથી જલદીપને દોડવું હતું ને ઢાળ મળ્યો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સાબરમતીના કાંઠે આવેલું પેઢામલી ગામ જલદીપનું વર્કપ્લેસ. છેલ્લા એક વર્ષથી ગામની ધર્મશાળામાં રહીને ગ્રામવિકાસનાં કાર્યો કરનાર આ યુવાન ગામના ઘણા મુદ્દાઓને સ્પર્શ્યો છે. પેઢામલીના આજીવિકા, આરોગ્ય, શિક્ષણના પ્રશ્નોને ઉકેલવા અને વ્યસનનાબૂદી માટે જલદીપ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છે. જલદીપ ઠાકર કહે છે, ‘ સંકટમોચન થવાનું મારું ગજું નથી. લોકો પોતાની રીતે પોતાના માટે પ્રયત્નો કરી પગભર અને સુખી થાય તેમાં સહાયરૂપ થવા ઇચ્છું છું.’ જલદીપે બાળકોની બચત બઁક, મહિલામંડળની બચત બઁક, વ્યસનમુક્તિ માટે બહેનોની ભાગીદારી તેમ જ સજીવ ખેતીના પ્રયોગો પણ શરૂ કર્યા છે. જલદીપ વધુમાં જણાવે છે, ‘બચત બઁકના કારણે ગામલોકોને પહેલાં જે બહારથી વ્યાજે પૈસા લેવા પડતા હતા તેમાંથી છુટકારો મળ્યો છે. મોટી વાત તો એ છે કે બચત બઁકનું સંચાલન પણ તેઓ જાતે જ કરે છે. હું તો કેવળ તેમને માર્ગદર્શન આપું છું.’ ગ્રામશિલ્પી તરીકે જીવવાનું હોવાથી જલદીપે આજીવિકા માટે સજીવ ખેતી કરવાનું પણ શરૂ કર્યું છે. જેના માટે તેને ૬ વીઘા જમીન પણ કર્મશીલ ‘સંજયતુલા’ પાસેથી હાલ પૂરતી તો ખેડવા માટે મળી છે.
જલદીપનો ગ્રામશિલ્પી તરીકેનો સમાજસેવાનો દાખલો જોવા જેવો છે. પેઢામલી ગામના ૧૩ વર્ષના વિનોદ વાઘરીને છેલ્લાં દસ વર્ષથી કાનમાં પરંુ આવતું હતું. વિનોદની બીમારી એટલે સુધી વણસી હતી કે તેના કાનમાં થયેલા મસાનો સડો છેક મગજ સુધી પહોંચેલો. ડૉક્ટરોએ ઑપરેશન કરવાના ૬૦ હજાર રૂપિયા કહ્યા. છૂટક મજૂરી પર નભતા કુટુંબ માટે આટલી મોટી રકમ કાઢવી અશક્ય હતી. વિનોદની દાદીએ કડલાં વેચી છસાત હજાર મેળવ્યા. પણ તે તો પ્રાથમિક દવાઓમાં જ વપરાઈ ગયા. વિનોદના ઑપરેશન સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો. ત્યારે ગ્રામશિલ્પી જલદીપ વિનોદને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યા. સિવિલના વડાઓને તેમણે વિનંતી કરી. આ કુટુંબ ઑપરેશનની ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી તેવાં લખાણો, ટી.ડી.ઓ. અને ડી.ડી.ઓ. પાસેથી મેળવી સિવિલમાં રજૂ કર્યાં. ખૂબ ધક્કા ખાઈને વિનોદના ઑપરેશનની તમામ ફી જલદીપે માફ કરાવી.જલદીપ ઠાકર ગામની પ્રાથમિક શાળામાં પણ સેવા આપે છે. ગામમાં સાઇકલ રિપૅરિંગની દુકાન નહોતી. તેથી જે વિદ્યાર્થીઓ પાસે સાઇકલ હતી તેમને ખૂબ હેરાન થવું પડતું. તેથી જલદીપે ૧,૫૦૦ રૂપિયાનો ફાળો ભેગો કરી સાઇકલ રિપૅરિંગની કિટ વસાવી. વિદ્યાર્થીઓ અને બીજા લોકો જાતે જ તે કિટનો ઉપયોગ કરી પોતાની સાઇકલ રિપૅર કરે છે. શ્રમદાનની સાથે સાથે જરૂરિયાતમંદોને નાનીમોટી આર્થિક મદદ કરી આપવામાં પણ આ ગ્રામશિલ્પી સહભાગી થતો રહે છે.
ગાંધીજીનું પ્રૌઢશિક્ષણ સાચા અર્થમાં લોકશિક્ષણનું કામ કરતું હતું. પ્રૌઢશિક્ષણ એ લોકશાહીમાં તાકાત લાવવા અને મતદાતામાં જાગૃતિ આણવા માટે હતું. ૨૪ વર્ષીય નિખિલ પ્રજાપતિ માસ્ટર ઑફ રૂરલ મૅનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા ત્યારથી જ રાંધેજા પાસેના ‘ઇન્દિરાનગર’માં પ્રૌઢશિક્ષણ અને બાળશિક્ષણનું કામ કરતા હતા. ત્યારથી જ તેમણે મનમાં ગાંઠ વાળેલી કે વિદ્યાપીઠ સહાય કરે કે ન કરે મારે તો ગ્રામશિલ્પી જ બનવું છે. ગાંધીનગર જિલ્લાનું રામપુરા ગામ નિખિલનું વર્કપ્લેસ છે. ગામલોકોએ નિખિલને રહેવા માટે એક ઘર પણ આપ્યું છે. રામપુરામાં રહીને રામપુરા સહિત ભોયણ રાઠોડ અને જામનગરપુરાની પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષકો તેમ જ બાળકોને કમ્પ્યૂટરની તાલીમ આપવા માટે જાય છે. નિખિલ પ્રજાપતિ જણાવે છે, ‘ગામલોકો સ્વાવલંબી જીવન જીવતા થાય તે માટેની જાગૃતિ લાવવાનું કામ અમારંુ છે.’ ઉલ્લેખનીય છે કે નિખિલે ગામમાં ભાઈઓ અને બહેનોનું બચત મંડળ બનાવડાવ્યું અને બચતમંડળોની બચત ૪૫,૦૦૦ રૂપિયા છે. મોટી વાત તો એ છે કે ચાર બહેનોએ બચતમંડળમાંથી આઠ હજાર રૂપિયા લોન લઈને જમીન ભાડે રાખીને ખેતી કરી. તેમાંથી તે બહેનોને ૨૫ હજાર રૂપિયા જેટલી આવક થશે. ગામલોકોને ઉદાહરણ પૂરું પાડવા માટે નિખિલે ત્રણ વીઘા જમીન ભાડે લઈ તેમાં સ્થાનિક પાકની જાત વાવી સજીવ ખેતીનો પ્રયોગ પણ કર્યો છે.
ગ્રામપંચાયતનો પાણીનો બોર અવારનવાર બગડતો. પૈસાના અભાવે તેને રિપૅર કરવામાં ઘણું મોડું થતું. તેથી નિખિલે દર મહિને ઘર દીઠ પાણી માટેના ૨૦ રૂપિયા ઉઘરાવવા શરૂ કર્યા. જ્યારે પણ પાણીનો પંપ બગડે છે ત્યારે આ ફાળાથી તરત જ રિપૅર થઈ જાય છે. નિખિલ ગામમાં બાયોગૅસ પ્લાન્ટ, સોલરકિટ, દૂધની ડેરી અને એચ. એફ. ગાયો વસાવવાનું પણ વિચારી રહ્યો છે. નિખિલ કહે છે, ‘ગામલોકોની કૅપૅસિટી બ્લીડઅપ થાય તેવી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને તાલીમશિબિરોનું સંચાલન કરીને તેમાંથી જ પોતાનો રોટલો રળવો એમ હું અત્યારે તો વિચારી રહ્યો છું.’
માસ્ટર ઑફ રૂરલ મૅનેજમેન્ટ થયેલા ૨૪ વર્ષીય રણજિત મોચી ગાંધીનગર જિલ્લાના જીવણપુરા ગામમાં ગ્રામશિલ્પી તરીકે કામ કરે છે. ગામમાં કોઈ મકાન ખાલી ન હોવાથી તેઓ ગામની પ્રાથમિક શાળાના ઓરડામાં રહે છે. ગામનાં બાળકોને ભણાવવાનું, બાળકો અને શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ આપવાનું, સજીવ ખેતીની જાણકારી આપવાનું અને સજીવ ખેતી માટે ઉપયોગી પ્રવાહી ‘વર્મીવૉશ’નો પ્રચારપ્રચાર કરવાનું તેમ જ બચત મંડળો ઊભાં કરવાનું કામ તે કરી રહ્યો છે. રણજિત કહે છે, ‘સ્કૂલમાંથી બાળકો ડ્રોપઆઉટ ન થાય તેની ખાસ તકેદારી રાખું છું. ગ્રામવાસીઓમાં પોષકતત્ત્વોની ખૂબ ઊણપ હોય છે. તેમને લીલાં શાકભાજી મળી રહે તે માટે આઠદસ શાકભાજીના બિયારણનું એક પૅકેટ ફંડ મેળવીને તૈયાર કર્યું અને ગામમાં તેનું વિતરણ કર્યું છે. તેને પરિણામે, દરેક કુટુંબને પૈસા ખર્ચ કર્યા વિના લીલાં શાકભાજી મળી રહે છે.’ અર્થશાસ્ત્ર સાથે એમ. એ. થયેલા ૨૩ વર્ષીય ગ્રામશિલ્પી નીલમભાઈ પટેલ જણાવે છે, ‘ધરમપુર તાલુકાના ગૂંદિયા ગામમાં ગ્રામશિલ્પી તરીકે જોડાયો ત્યારે પપ્પા નારાજ થયેલા. પણ હવે તેઓ પણ માની ગયા છે. મને કંઈક નવું કરવાની ઇચ્છા હતી. હું જે ગામમાં વસું છું ત્યાં આજુબાજુ ૪૫ કિમી સુધી કોઈ હાઈસ્કૂલ નથી. અહીં હાઈસ્કૂલ શરૂ થાય તેવા મારા પ્રયત્નો છે. છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના માટે પણ પ્રયત્નો કરું છું. ‘ગ્રામવન પ્રૉજેક્ટ’ અંતર્ગત મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું, અને ગામમાં ગ્રંથાલય પણ શરૂ કર્યું છે. ગામમાં આવેલાં એક છાત્રાલયમાં ૮૦ વિદ્યાર્થીઓ માટે અનાજ નહોતું તે ઉઘરાવીને પૂરું પાડ્યું. વિદ્યાર્થીઓનાં બચત મંડળો શરૂ કર્યાં છે અને પાણીની સમસ્યાને નિવારવા માટે પાણીસંગ્રહની નવી નવી રીતો અજમાવવા માગું છું.’
બારડોલી તાલુકાના સુરાલી ગામનો, અર્થશાસ્ત્ર વિષયમાં એમ. એ. થયેલો ૨૪ વર્ષીય તુષાર ચૌધરી પોતાના જ વતનમાં ગ્રામશિલ્પી તરીકે કામ કરે છે. તે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા મળતી મદદ પણ લેતો નથી. ધરમપુર તાલુકાના અવલખંડી ગામમાં તેણે એક વર્ષ સુધી વિદ્યાપીઠની સહાયથી ગ્રામશિલ્પી તરીકે કામ કર્યું હતું. તે વિશે જણાવતા તુષાર ચૌધરી કહે છે, ‘અવલખંડી ગામમાં અમે આશ્રમશાળા શરૂ કરી હતી અને તેનું સંપૂર્ણ મૅનેજમેન્ટ મેં સંભાળ્યું હતું. પ્રૌઢશિક્ષણ, બાળશિક્ષણ, જમીનજંગલના કાયદા વિશેની સમજ આપવી. ગામલોકોને કાજુના વધુ ભાવ મળે તેના પ્રયત્નો અને સજીવ ખેતીનું કામ પણ શરૂ કરેલું.’ નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૪ વર્ષીય મહેશ મહેરિયાની માતાની ઇચ્છા નહોતી કે તે સામાજિક કાર્ય કરે, પરંતુ માસ્ટર ઑફ રૂરલ મૅનેજમેન્ટ થયેલા મહેશ મહેરિયાને તો સામાજિક કાર્યોમાં જ વિશેષ રસ હતો. માણસા તાલુકાનું અમરાપુર ગામ તેણે વર્કપ્લેસ તરીકે પસંદ કર્યું. ગ્રામપંચાયતે તેને ગામમાં રહેવા માટે રૂમ પણ આપ્યો છે. ગામમાં તેણે કરેલાં કાર્યો અને ગામના પ્રશ્નો વિશે વાત કરતાં મહેશ જણાવે છે, ‘૩૨ સભ્યોનું યુવાબચત મંડળ, શાળામાં બાળકોનું બચત મંડળ, ‘સખી મંડળ’ની બહેનોને બચતમાંથી શું શું કરી શકાય તેનું માર્ગદર્શન, શાકભાજીના બિયારણનાં પૅકેટનું વિતરણ, ખેતી માટેની દવા ‘વર્મીવૉશ’નો પ્રચારપ્રસાર જેવાં ઘણાં કામો ઉપાડ્યાં છે. ગામની શાળાના શિક્ષકોને જોડીને પ્રૌઢશિક્ષણનું કામ પણ શરૂ કરવાનો વિચાર છે. સિંચાઈના પાણીના પ્રશ્નો હોવાથી સિંચાઈવ્યવસ્થામાં જરૂરી બદલાવ લાવવો છે. દરેક વાસનું એક મંડળ બનાવી અને પછી આખા ગામનું એક મોટું બચત મંડળ પણ શરૂ કરવું છે.’ એમ. એ., બી. એડ્., થયેલી ચંદ્રિકા સોલંકી ગયા વર્ષે દેત્રોજ તાલુકાનું ભગાપુરા ગામ પસંદ કરી ગ્રામશિલ્પી તરીકે જોડાઈ. ગામમાં બહેનોનું બચત મંડળ, બાળકોનું બચત મંડળ, ગામમાં ૧થી ૭ ધોરણ સુધીની શાળા હોવા છતાં બે જ શિક્ષકો છે, તેથી ચંદ્રિકા શાળામાં ભણાવવા પણ જાય છે. સૌથી ઉત્તમ કામ તો ચંદ્રિકા સોલંકીએ ગામમાં સંડાસ બનાવવા બાબતે કર્યું છે. સરકારની ૭૫૦ રૂપિયાની સરકારી ગ્રાન્ટમાંથી એક મૉડલ સંડાસ બનાવડાવી, તેણે બીજાં ૮૮ કુટુંબોને સંડાસ બનાવવા માટે રાજી કર્યાં છે. આજે ગામડાંઓમાં સંડાસ નથી તે વાત તો સમજાય પણ હવે ગામડાંમાં સંડાસ જવાની જગ્યાના પણ અભાવ અને પ્રશ્નો છે. આખા ગામ માટે એક જ ખાડો હોય. જેમાં સ્ત્રીપુરુષ, આબાલવૃદ્ધ બધાં જાય. આવું જ બાથરૂમની બાબતમાં પણ છે અને આ બધી અગવડોમાં સૌથી વધુ સહન કરવાનું સ્ત્રીના ભાગે આવે છે. તેથી ગામડાંમાં સંડાસબાથરૂમ તો બનાવવાં જ જોઈએ. તે તાતી જરૂરિયાત છે. ચંદ્રિકાએ આ બાબતે કરેલા પ્રયત્નો બિરદાવવાલાયક છે.
આ વર્ષે જ ગ્રામશિલ્પી તરીકે જોડાયેલા રમણ સંગાડાને દાહોદ જિલ્લાના પોતાના જ ગામ પરમારના ડુંગરપુરમાં જ કામ કરવું છે. તે જણાવે છે, ‘મારા ગામમાં પણ બાથરૂમ નથી તેના માટે પ્રયત્નો કરવા છે. મારું ગામ આદિવાસી વસતિવાળું હોવાથી બધા ચોમાસાના ત્રણ મહિના જ ઘરે રહે છે. બાકીના મહિનાઓમાં મજૂરી અર્થે શહેરમાં જાય છે. પરિણામે તેઓ તેમનાં બાળકોને ભણાવી શકતા નથી. મારે આ બાળકોને ગામમાં જ રાખી, તેઓ શિક્ષણ મેળવતાં થાય તેવા પ્રયત્નો કરવા છે.’ એમ. એ. બી. એડ્., થયેલા મનન રાવલે કચ્છ જિલ્લાનું મખણા ગામ પસંદ કર્યું છે. તે કહે છે, ‘ગામમાં શિક્ષણનો પ્રશ્ન વિકટ છે. સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી લખીવાંચી શકતો નથી. શાળામાં રિસેસ એક વાગ્યે પડે છે તે ચાર વાગ્યા સુધી ચાલે છે. બાળકોના શિક્ષણની સાથે સાથે મારે પ્રૌઢશિક્ષણ, સરકારી યોજનાઓની માહિતી આપવી, ગ્રામસફાઈ અને ગ્રામઉદ્યોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું છેે.’ બી. એ., બી. એડ્., થયેલા સંજય રાઠોડે બાયડ તાલુકાનું હમીરપુરા ગામ વર્કપ્લેસ તરીકે પસંદ કર્યું છે. તે જણાવે છે, ‘ગ્રામશિલ્પી તરીકે કામ કરવાની દિલથી ઇચ્છા હતી. સમસ્યા વગરનું કોઈ ગામ ગુજરાતમાં છે જ નહીં. તેથી હમીરપુરા ગામની દરેક સમસ્યાનો વ્યવસ્થિત અભ્યાસ કરી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવું છે.’
અસંગઠિત ક્ષેત્રોનાં કામદાર બહેનોને સંગઠિત કરવાનું કામ કરતી ‘સેવા’ સંસ્થાએ પણ વિદ્યાપીઠની આ યોજનામાંથી પ્રેરણા લીધી છે. આદર્શ નમૂનો પૂરો પાડી શકે તેવા ‘સેવા’નાં વીસેક બહેનો પણ ગ્રામશિલ્પી તરીકે જોડાવાનાં છે. ‘સેવા’નાં સંગઠક અમીબહેન શેલત જણાવે છે, ‘કેટલીક બહેનોએ તો વિદ્યાપીઠમાંથી ગ્રામશિલ્પી બનવાની પાંચ દિવસની તાલીમ પણ લીધી છે. પરંતુ વિદ્યાપીઠ કરતાં અમારા માપદંડો અલગ રહેશે. અમે બહેનોને માનદ પુરસ્કાર ન આપતાં તેઓ પોતાનો જીવનનિર્વાહ પણ કરી શકે, તેવા કોઈ ચોક્કસ કામ સાથે તેમને ગ્રામશિલ્પી તરીકે જોડવાનાં છીએ.’ગૂજરાત વિદ્યાપીઠનો રોજગાર પરામર્શક એકમ સંભાળતા અને ગ્રામશિલ્પી યોજનાનું મૉનિટરિંગ કરતાં અને તાલીમના કામ સાથે જોડાયેલા અરુણ ગાંધી જણાવે છે, ‘આ યોજનામાં કોઈ મસ્ટર નથી, સહી નથી, ગ્રામશિલ્પીએ પોતે સમસ્યાઓને અનુભવીને જાતે જ કામ કરવાનું છે અને ગ્રામવાસીઓના હમર્દદ બનવાનું છે. વધુમાં વધુ યુવાનો ગામડાંમાં રહે અને ગ્રામવિકાસનાં કાર્યો કરે તે આ યોજનાનો ઉદ્દેશ છે.’ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર ગ્રામશિલ્પી કાર્યક્રમનું હાર્દ સમજાવતાં જણાવે છે, ‘જે પોતાની રોજી રળવા માટે સક્ષમ હોય અને ગામ પુનરુત્થાનનું કામ કરવા માટે પણ તત્પર હોય તે ગ્રામશિલ્પી બની શકે. સર્વને શિક્ષા આપો અને ગામડાંમાંથી કાઢી મૂકો એવું નહીં. પણ સમપોષિત વિકાસ થાય તે જરૂરી છે. ગ્રામશિલ્પી એ મૂલ્યો સાથે જોડાયેલો ભાર વગરનો પ્રયાસ છે, તેને વિદ્યાપીઠ ટેકો કરે છે. ગ્રામશિલ્પીઓને શરૂઆતમાં બે વર્ષ માનદ પુરસ્કાર પછી બીજી સંસ્થાઓની મદદ લઈ બીજાં ત્રણ વર્ષ માટે પણ ટેકો કરી શકાય. આમ પાંચ વર્ષમાં તો ગ્રામશિલ્પી પોતાનો રોટલો રળતો પણ થઈ જાય અને ગામ પુનરુત્થાનનું કામ પણ ચાલતું રહે. આવા સોદોઢસો માણસો ગુજરાતના ખૂણે ખૂણે ઊભા થાય તો ગુજરાતની શિકલ બદલાઈ જાય એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે.’

2 comments:
ઉત્તમ લેખ બદલ ધન્યવાદ કિકા
tari gramshilpi story gamy. have to salat matine shilpkar thato jay chhe teno aannad thay chhe.lekhrupi nava nava shilpo kandarto rahe evi shubh kamna.
vajesinh pargi
Post a Comment